સોમવાર, 25 જૂન, 2018

૨૩મી જૂન

આજે દ્વિતીય વર્ષમાં જ બે વ્યાખ્યાન હતા, પણ એ મિત્રોએ માત્ર સ્વચ્છતા સંદર્ભે એમના ગામની મુલાકાત અંગે પૃચ્છા કરીને સંતોષ માન્યો. કૉલેજ સુધી ન પહોંચી શક્યાં.
          તૃતીય વર્ષમાં તો વ્યાખ્યાન નહોતું, પણ બે બહેનો[ભૂમિ અને પિંકલ] 'બારી બહાર' સંગ્રહ બહારનાં પુસ્તકાલયમાંથી શોધી લાવી, એટલે એ ખુશીમાં 'વિદાય' સોનેટ એમને સ્ટાફ રૂમમાં જ ભણાવ્યું. પ્રહલાદ પારેખનું બહું ઉદાત્ત ભાવનાનું અને વિચારવા પ્રેરે તેવું સરસ કાવ્ય છે. બધાં પાસે આ કાવ્ય તો નહિ હોય, કેમ કે પુસ્તક ઉપલબ્ધ નથી. અને આમ પણ એ બે જ બહેનો સાથે મેં કાવ્ય માણ્યું હતું. તો આપણી શરત પ્રમાણે લ્યો તમને પણ એ કવિતા સાથે જોડું :

કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે;
પરંતુ ગગનાંગણે, અવનિમાં, અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.

પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં;
અનેક જગતો રચી સ્વપનમાં, વળી ભાંગિયાં.
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.

મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડયાં.

છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.

આવી વિદાય આપનારથી વિખૂટાં પડવાનું કેટલું વિકટ હશે ? હવે કાવ્ય તમારી પાસે પણ છે. માણો. મળીએ ત્યારે ચર્ચા કરીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો