દિવસ : ૮
તા. ૦૪/૦૨/૨૦૧૯ [સોમવાર]
આજે બીજું અઠવાડિયું શરૂ થયું. સવારે જાગવામાં તો કાંઈ ફેર પડ્યો નહિ. લગભગ ૦૮:૪૫ વાગે જ જાગવાનું થયું. સવારે 'ખેતલાઆપા'માં જ નાસ્તો કરવા ગયા. થેપલા અને પૌવાનો નાસ્તો કરી ૧૦:૩૦ વાગે HRDC પહોચ્યા. ગઈ કાલના REPORTER તરીકે પ્રા. દિવ્યનાથ શુક્લએ પોતાનો REPORT સૌથી પહેલા રજૂ કર્યો.
આજે પ્રથમ વ્યાખ્યાન HRDCના DIRECTOR DR. MAHESHCHANDRA YAGNIKસાહેબનું હતું. તેમણે આંતરવિદ્યાકીય અભ્યાસ અંગે રસપ્રદ વાત કરી. વિદ્યાકીય ક્ષેત્રમાં CONCEPT જ્ઞાનને CUNSTRUCT કરે છે, એવું એક તારણ તેમણે રજૂ કર્યું. સ્થિતિ અને સમસ્યાનો ભેદ સમજાવતા કહ્યું કે, ક્યારેક હોય તે સ્થિતિ અને કાયમી હોય તે સમસ્યા. આ ઉપરાંત શિક્ષકનું કામ જ્ઞાનને સરળ બનાવવાનું છે -એવી માર્મિક ટકોર પણ એમણે કરી હતી. મેકેલેલેન્ડના 'NOT CHANGING SOCIETY' પુસ્તક લખવાની ભૂમિકા વિષે એમણે વ્યાખ્યાનના અંતે સરસ વાત કરી હતી.
બીજા વ્યાખ્યાન માટે અમે સૌ CHEMESTRY DEPARTMENTના AUDITORIUM ગયા. થોડું દૂર હતું. જલ્દી -જલ્દી સૌ પહોચ્યા.
ત્યાં એક એવા વ્યક્તિને સાંભળ્યા કે જેના માટે આટલું ચાલવું તો ક્યાંય ઓછું હતું. પદ્મશ્રી S. L. BHAYRAPPAસાહેબે અહીં 'MY JOURNEY FROM PHILOSOPHY TO LITERATURE' વિષે એમણે ખૂબ જ રસપ્રદ વાત કરી. તેઓ ૫૩ વર્ષ પહેલા વલ્લભવિદ્યાનગરની 'નલિની આર્ટસ કૉલેજ'માં તત્વજ્ઞાનના અધ્યાપક હતા. ત્યાંથી વાત આરંભીને તત્કાલીન કુલપતિ જશભાઈ પટેલના સહકારથી કેવી રીતે એક જ વર્ષમાં 'સત્ય અને સૌંદર્ય' વિષય પર PH.D. થયા, ને ફરી વખત PH.D. માટે જોડાયા. તેમણે કવિ ઋષિ છે એમ કહી, જે જોઈ શકે એ જ કવિ છે -એ સરસ વાત કરી. આપણી ભાષામાં કહીએ તો જે કશુંક ભાળી ગયો હોય એ જ કવિ બની શકે. તેમણે નવલકથાનું શાસ્ત્ર સમજવા વિશ્વની ઉત્તમ ૨૫ નવલકથાનું અધ્યયન કર્યું હતું ! તેમની 'વંશવૃક્ષ' જેવી પ્રારંભિક નવલકથાથી જ તેઓ ભારતીય નવલકથાકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા.
આખા દેશનું ભ્રમણ કરીને તેઓ એવા તારણ પર આવ્યા છે કે ભારત આજે પણ એક છે. ભારતની કોઈ પણ ભાષામાં ભારતીય કૃતિઓનો અનુવાદ સરળ છે કેમકે બધી ભાષાઓ અંતે એક જ છે, જયારે અંગ્રેજીમાં અનુવાદ કપરો છે, એમ કહી ભારતીય ભાષાઓ વચ્ચે રહેલી સામ્યતા ચીંધી આપી હતી. છેલ્લે ચિત્રકાર કનુ પટેલના એક પ્રશ્નના જવાબરૂપે 'આવરણ' નવલકથા કેવી રીતે અવતરી તેની રસપ્રદ વાત એમણે કરી. એક વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વિદ્વાનના આ રસપ્રદ વ્યાખ્યાન પછી સૌ ભોજન વિરામ માટે છૂટાં પડ્યાં.
આજે બપોરનું ભોજન GOVINDA'Sમાં થયું. મારી પાસે કે પ્રવીણભાઈ પાસે પૈસા નહિ, એટલે રાઠવાસાહેબે સૌને ભોજન કરાવ્યું. ભોજન પછી ક્રિષ્નામાં પાન ઠપકારી સૌ HRDC પરત આવ્યા.
ત્રીજું વ્યાખ્યાન સંસ્કૃતમાં ૪ વખત D.LIT. થઈ ચૂકેલા DR. JAYPRAKASH DWIVEDIસાહેબનું હતું. તેમણે 'જ્યોતિષ, વાસ્તુ અને વ્યાકરણનું ભારતીય જીવનમાં પ્રદાન' વિષય પર પોતાની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપ્યું. વાસ્તુશાસ્ત્રથી એમણે વાતની શરૂઆત કરી. મય-પરંપરા અને વિશ્વકર્મા-પરંપરાના બે મુખ્ય વસ્તુ વિષે વાત કરતા એમણે જણાવ્યું કે , ગામ, નગર, રાજધાની વગેરેની બાંધણી અંગે વાસ્તુશાસ્ત્રમાં વિગતે વર્ણવ્યું છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કેવી રીતે નગરના નામ પડતા એ અંગે ઉદાહરણ સાથે સમજાવી. અયોધ્યા કેમ અયોધ્યા એટલે જેની સાથે કોઈ યુદ્ધ ન કરી શકે એવું નગર છે, એ વિગતે સમજાવ્યું. વાસ્તુશાસ્ત્ર વિષે સૌથી વધુ કામ ગુજરાતીઓએ કર્યું છે એમ કહી, એમણે દ્વારકા મંદિરની પુનર્રચનામાં બહુ મોટો ભાગ ભજવનાર પાલીતાણાના વાસ્તુશાસ્ત્રી પ્રભાશંકર ઓઘડભાઈને વિશેષ યાદ કર્યા હતા. ભારતીયો આધાર વગર નામકરણ નથી કરતા એ વાત નક્ષત્ર આધારે પડેલા આપણા મહિનાઓના નામ જણાવી એમણે સાબિત કરી આપી.
ચોથું વ્યાખ્યાન એ જ સંસ્કૃતાચાર્યનું હતું. આગળના વ્યાખ્યાનનો દોર આગળ ચલાવી તેમણે અહીં જ્યોતિષ અંગે વાત કરતા, સૌને પ્રાયોગિક ધોરણે પોતાનો હાથ જોતા શીખવ્યું. સૌ પોતાના હાથ જોતા થઈ ગયેલા. વચ્ચે દ્વારકા પાસે આવેલા ગોપીતળાવની ઉત્પત્તિ વિષે એમણે રસપ્રદ વાત કરી. પછી વ્યાકરણ અંગે વાત કરતા તેમણે કહ્યું કે સંસ્કૃત વ્યાકરણ લોકથી પ્રેરિત છે, એટલે આપણે ધારીએ એટલું અઘરું નથી એમ સમજાવી 'ભાષા વ્યવહારથી આવડે છે, વ્યાકરણથી નહીં 'એવું નિરીક્ષણ રજૂ કર્યું હતું.
વ્યાખ્યાનના અંતે આજના CHAIRPERSON DR. સુધા ચૌહાણે આભારદર્શન કર્યું, પછી સૌ છૂટાં પડ્યા હતાં.
આજે તો કાલના GYMનો અતિ લતાડ લાગ્યો હતો, તોય ગયા વગર છૂટકો નહોતો. પહેલા બજારમાં 'PUSTAK MAHAL' BHAYRAPPAસાહેબની 'આવરણ' નવલકથા શોધવા ગયા, પણ ન મળી. અંતે GYM જવાનો વખત થઇ ગયો. આજે ચાલવાનું ને સાયકલીંગ પૂરું કર્યું ત્યાં TRAINER હર્ષSIR આવ્યા. આજે GYMમાં SPECIAL BATCH હતી. એમાં ભારે કસરત કરાવી. છોડે તો સારું, એવું થવા લાગ્યું. છેલ્લે રજા આપી ત્યારે રીતસર ભાગીને માંડ GUEST HOUSE પહોચ્યા.
થોડી વાર સુઈ ગયા. પછી કંઈક ભાન આવ્યું ત્યારે ૦૯:૦૦ વાગ્યે 'નારાયણ કલબ'માં જમવા ગયા. જમીને પરત આવી આજના REPORTER તરીકેનો REPORT તૈયાર કરી ને પછી BLOG તૈયાર કર્યો, ત્યાં સુધીમાં ૧૨:૦૦ વાગી ગયા. હવે સુઈ જાવ છું.
દિવસ : ૯
તા.૦૫/૦૨/૨૦૧૯ [મંગળવાર]
આજે ફરી જાગવામાં તો મોડું જ કર્યું. ૦૮:૩૦ વાગે જ જાગીને નિત્યકર્મ પતાવ્યા. ત્યાર પછી નાસ્તા માટે ગયા. થોડું મોડું થયું હતું એટલે આજે નાસ્તાનો કાર્યક્રમ HRDC નજીક જ રાખ્યો હતો. ત્યાંથી નજીકમાં જ PRINTની દુકાન હતી. તો નાસ્તો તૈયાર થયો ત્યાં સુધી REPORTની PRINT કઢાવી આવ્યો.
૧૦:૩૦ વાગે HRDC પહોચી, પહેલું કામ REPORT વાંચવાનું કર્યું. હજુ અરધો REPORT વાચ્યો હશે ત્યાં આજના વક્તા ઉપસ્થિત થઇ ગયા હતા. એ REPORT વર્ગમાં તો પૂરો વાંચી ન શકાયો, પણ અહી આપ સૌ માટે મૂકું છું :
આજના CHAIRPERSON PROF. SHRUTI DABHI વક્તાને વર્ગખંડમાં દોરી લાવ્યા. પ્રથમ બે વ્યાખ્યાન M. S.UNIVERSITYના પૂર્વ કુલપતિ DR. SHARAD JOSHIસાહેબે 'શ્રી અરવિંદ અને તેનું તત્વજ્ઞાન' આપ્યા. અરવિંદના જન્મથી શરુ કરીને તેના અભ્યાસ, નોકરી, આઝાદી ચળવળ અને અધ્યાત્મજગતમાં પ્રવેશ વિષે ખૂબ જ રસપ્રદ વાત કરી. શ્રી અરવિંદને મન ભારત નદી કે પર્વતો નથી, પણ ભારત માતા છે -એ વાત તેમણે સ્પષ્ટ કરી. સાથે જ માતાજી વિષે પણ કેટલીક રસપ્રદ વિગતો એમણે પોતાના વ્યાખ્યાનમાં વણી લીધી. વડોદરા, ચંદ્રનગર, પોંડીચેરી જેવા અલગ અલગ શહેર સાથે શ્રી અરવિંદનો સંબંધ પણ તેમણે સરસ રીતે રજૂ કર્યો.
ચા વિરામ પછી બીજું વ્યાખ્યાન 'શ્રી અરવિંદના સાહિત્ય' વિષે થયું. એ વ્યાખ્યાનમાં સૌથી વિશેષ વાત એમણે 'સાવિત્રી' મહાકાવ્ય વિષે કરી. આ મહાકાવ્ય ૨૪૦૦૦ પંક્તિઓમાં લખાયેલું છે. શ્રી અરવિંદે મહાભારતના સાવિત્રીને અહી MYTH તરીકે પ્રયોજીને પોતાની અધ્યાત્મિક આત્મકથા રચી છે, એવું નિરીક્ષણ જોશીસાહેબે તારવી આપ્યું. વ્યાખ્યાન દરમિયાન સૌને અરવિંદમય બનાવીને ૦૧:૩૦ વાગે જોશીસાહેબનું વ્યાખ્યાન પૂર્ણ થયું.
આજે જમવા માટે 'ગાયત્રી ભોજનાલય' ગયા. પ્રવીણભાઈ અહી હોસ્ટેલમાં રહેતા ત્યારે આજ ભોજનાલયમાં જમતા. જમીને CARમાં હવા પૂરાવવા ગયા ને મારું અચાનક ધ્યાન ગયું. અમે લોકો 'અરવિંદ માર્ગ' પર હતા !
૦૨:૧૫ વાગે જમીને ફરી HRDC પહોચ્યા. ત્રીજું વ્યાખ્યાન DR. DIPTI SHAHનું હતું. એમણે પોતાના વ્યાખ્યાનમાં MULTIMEDIA વિષે વાત કરી. તેમણે AUDIO, VIDEO, TEXT, ANIMMATION વિષે SLIDE દ્વારા સરસ રીતે પોતાની વાત મૂકી.
ચા વિરામ પછીનું બીજું વ્યાખ્યાન પ્રાયોગિક હતું. આ પ્રાયોગિક વર્ગમાં camstudio, audacity અને movie maker સોફ્ટવેરનો ઉપયોગ શીખવવામાં આવ્યો. આ માટે દરેક સહભાગીને HRDC LABમાંથી LAPTOP ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા. આ વર્ગમાં સૌએ રસપૂર્વક પ્રાયોગિક કાર્ય કર્યું. ભાષા -શિક્ષણ માટે ઉપયોગી ઉપરોક્ત ત્રણેય સોફ્ટવેર અંગેની માહિતી રસપ્રદ બની રહી.
સાંજે ૦૫:૩૦ વાગે છૂટીને GUEST HOUSE આવ્યા. આજે GYM જવાનું મુલતવી રાખવું પડ્યું. [કાલ બહુ ભારે પડેલું એટલે ?] કેમ કે, મહારાષ્ટ્રથી આવેલા અધ્યાપક-મિત્રોને વડતાલ મંદિરે દર્શન કરવાની ઈચ્છા હતી. હું ને પ્રવીણભાઈ પોતપોતાનો રથ લઈ સૌને લઈ ગયા વડતાલ.
સ્વામિનારાયણ સંપ્રદાયના આ જાણીતા દેવ-સ્થાન પર ભગવાન ગોપીનાથજી, રાધાજી, સહજાનંદ સ્વામીના સાનિધ્યમાં મરાઠી મિત્રો સાથે વિહરવાનો અલગ આનંદ છે. મંદિરમાં નિરાંતે ભગવાનના દર્શન થયા. મંદિરમાં જુદી જુદી જગ્યાએ બેસીને સ્થળને અનુભવવા મથ્યા. આખા પરિસરમાં વિહાર કર્યા પછી મંદિરના ભોજનાલયમાં જ સૌએ વ્યક્તિ દીઠ ૨૫/- રૂપિયાના ટોકન દરે પ્રસાદ લીધો. અહી મંદિરની મુલાકાતે આવેલા મહાન વ્યક્તિઓના ફોટો જોયા એટલે અમને પણ મન થયુ, તો પાડ્યો આ ફોટો :
ભોજનાલયમાંથી તૃપ્ત થઈને બહાર આવતા હતા, ત્યારે પ્રવીણભાઈએ વધુ એક સ્મૃતિ પોતાના દૂરભાષમાં કેદ કરી.
અંતે વડતાલ સ્વામિનારાયણ મંદિરના કલાત્મક પ્રવેશદ્વાર પર PROF. NARAYAN RAOસાહેબે PROF. BHALERAVસાહેબ સાથે લીધેલી આ અંતિમ તસ્વીર સાથે આ પાવનભૂમિને 'જય સ્વામિનારાયણ' કરી સૌ વલ્લભવિદ્યાનગરના રસ્તે નીકળી પડ્યા.
ત્યાર પછી સૌ પરત GUEST HOUSE આવ્યા. વચ્ચે PROF. H. L. NARAYAN RAO સાથે મરાઠી શિક્ષણ-વ્યવસ્થા અંગે રસિક ચર્ચા થઈ. આજે વહેલા સૂવાનું વિચાર્યું છે. GYM પણ નથી ગયા. એટલે મોડામાં મોડા ૧૦:૦૦ વાગે સુઈ જવાની ગણતરી છે. જોઈએ હવે...
દિવસ : ૧૦
તા. ૦૬/૦૨/૨૦૧૯ [બુધવાર]
ગઈ કાલે રાત્રે ૧૧:૦૦ વાગે સુઈ ગયેલો એટલે આજે ૮:૦૦ વાગે જાગી શક્યો. તૈયાર થઈને ૦૯:૦૦ વાગે પ્રવીણભાઈની કારમાં ગેસ પુરાવવા માટે જનતા ચોકડી ગયા. એમણે ગેસની લાઈનમાં કાર રાખી ત્યાં સુધીમાં મેં આજુબાજુ તપાસ કરી તો 'amul parler' મળી ગયું. બુધવારનું એકટાણું હતું એટલે ફરાળી ચેવડો ને અમુલ કેસર દૂધ પીધું. થોડી વાર રાહ જોઈ ત્યાં પ્રવીણભાઈ આવી ગયા. HRDC પાસે પહોચીને પ્રવીણભાઈએ પૌવાનો નાસ્તો કર્યો. રાઠવાસાહેબને આજે REPORT વાંચવાનો હતો એટલે એ અમારી સાથે નહોતા આવ્યા.
આજે ૧૦:૧૫ વાગે HRDC પહોચી ગયા. આટલા દિવસમાં આજે અમે સૌથી વહેલા હતા. સૌ પ્રથમ DR. RATILAL RATHVAસાહેબે પોતાનો અહેવાલ વાંચ્યો. એ નિમિત્તે BLOGની મૌખિક અભિવ્યક્તિ સાંભળવા મળી.
આજના પ્રથમ બે વ્યાખ્યાન HRDC-વલ્લભવિદ્યાનગરના પૂર્વ DIRECTOR અને અનેક UNIVERSITYના કુલપતિ રહી ચૂકેલા DR. NARESH VEDસાહેબનું હતું. 'LAW AND LITERATURE' જેવા વિષય પર તેમણે અઢી કલાક સુધી માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.
તેમણે મૂળભૂત વિજ્ઞાન,પ્રાકૃતિકવિજ્ઞાન, સામાજિકવિજ્ઞાન અને માનવવિદ્યા એવા અભ્યાસક્ષેત્રના ૪ ભેદ પાડીને વિગતે સમજાવ્યા. પશ્ચિમમાં ચાલી રહેલા 'LAW IN LITERATURE', 'LAW AS LITERATURE' અને 'LITERATURE UNDER LAW' વિષે ફિલ્મ અને સાહિત્ય કૃતિઓના ઉદાહરણ સહિત પોતાની વાત રજૂ કરી. વ્યાખ્યાનના અંતે 'છિન્ન-ભિન્ન' અને ભગવતીકુમાર શર્માની 'મેં ગાંધીને નથી જોયા'કાવ્યોનો ભાવવાહી પાઠ કરી, એક નમૂનો પૂરો પડ્યો.
એમના બીજા વ્યાખ્યાનમાં પણ ઉપરોક્ત અધૂરી વાત શરૂ રહી, તેથી તેમના બીજા વિષય 'WORLD LITERATURE' વિષે માત્ર અરધી કલાક જ વાત થઈ શકી. કોઈ પ્રદેશ કે ભાષાને આધારે લખાય તે જે-તે પ્રદેશનું સાહિત્ય; આખા ભારત વર્ષની કોઈપણ સમય-સ્થળમાં પ્રગટ કરે તે ભારતીય સાહિત્ય અને વિશ્વની બધી ભાષા અને રાષ્ટ્રના સાહિત્યમાં જે સર્વસામાન્ય વસ્તુ છે, તેને પ્રગટ કરે તે વિશ્વસાહિત્ય -એવા ત્રણેય સાહિત્ય વિશેના પોતાના નિરીક્ષણો રજૂ કરી, તેમણે વ્યાખ્યાનના અંતે આજે પણ પ્રસ્તુત એવા ૫ ગાંધી-તત્વ : સત્ય, સત્યાગ્રહ, સ્વરાજ, સ્વદેશી અને સર્વોદય વિષે સંક્ષિપ્ત વાત કરતી હતી. ત્યાર પછી સૌ સભર થયાનો ભાવ લઈ છૂટા પડ્યા હતા.
જમવા માટે આજે પણ ગાયત્રી ભોજનાલયમાં જ જવાનું થયું. બુધવાર હોવાથી જમતા પહેલા મગ ખાવાના હતા, તેની વ્યવસ્થા ભોજનાલયમાંથી કરી આપી. ભોજન કરીને ઝડપથી HRDC પહોચ્યા.
આજના અંતિમ બે વ્યાખ્યાન નડિયાદની UNIVERSITYના રજીસ્ટ્રાર DR. RAJNIKANT JAINસાહેબના હતા. એમણે 'LITERARY THEORY' વિષે પોતાની શૈલીમાં રજૂઆત કરી. સાથે સ્થાપત્યવિજ્ઞાન સાથે જોડાયેલા તેમના દીકરીની માહિતીપ્રદ પૂર્તિઓનો પણ લાભ મળ્યો. JAINસાહેબે THEORY વિષે સરળ શબ્દોમાં જણાવ્યું કે, 'હું જે માનું છું, કહું છે તે મારી THEORY છે.' સાથે જ ભારતમાં કોઈપણને ૩ ભાષા આવડવી સહજ છે, જયારે વિદેશોમાં એ અઘરું અને ખર્ચાળ છે -એવું એક નિરીક્ષણ પણ એમણે રજૂ કર્યું. એ ઉપરાંત સર્જન પોતે જ જીવંત હોવું જોઈએ, એને જીવાડવા સર્જકની જરૂર પડે તો એ સર્જન મૃત છે, એમ કહી એમણે TRINETY THEORY વિષે વિગતે વાત કરી. AUTHOR, TEXT અને AUDIANCEને કેન્દ્રમાં રાખીને રચાયેલી જુદી જુદી THEORY વિષે તેમણે SLIDEના આધારે વ્યાખ્યાન કર્યું.
વ્યાખ્યાન દરમિયાન વચ્ચે સાથે આવેલ તેમના દીકરી પાસેથી 'કવિતા શીખી શકાય છે, શીખવી શકાતી નથી.' તેમજ 'વાવ બનાવીને મહિલાઓને સુરક્ષા આપવાનો ઉદ્દેશ હતો.' જેવી રસપ્રદ માહિતી જાણવા મળી. કોઈ વક્તા વ્યાખ્યાનમાં પોતાની દીકરીને સાથે લઈને આવે અને વચ્ચે વચ્ચે બાપ-દીકરી એકબીજાની વાતમાં પૂર્તતા કરે એ વાત જ મને તો સૌથી વધુ ગમી.
૦૫:૩૦ વાગે છૂટીને GUEST HOUSE પહોચ્યા. બધા મરાઠી મિત્રો આજે આવવા તૈયાર નહોતા. એટલે હું, પ્રવીણભાઈ, રતિલાલ અને નારાયણ રાવ ડાકોર જવા નીકળ્યા. પ્રવીણભાઈના રથમાં સાંજે ૦૭:૧૦ સુધીમાં ડાકોર પહોચ્યા. બજારમાં જ કાર મૂકીને, 'જય રણછોડ રાય' લખેલા પ્રવેશદ્વારમાં પ્રવેશ્યા.
આરતી શરુ હતી. 'જય રણછોડ'ના નાદ સાથે ચાલતી આરતીમાં એકદમ નજીકથી રણછોડરાયના દર્શનનો લાભ મળ્યો. બે હાથ જોડીને પ્રભુમુખ જોતા જોતા ઝળઝળિયાં આવી ગયા. આરતી પૂરી થયા પછી તુલસીપત્ર ચડાવી અને કૃષ્ણ પરમાત્માને વંદન કરી જે દરવાજેથી આવ્યા હતા તે દરવાજે ગયા. જોયું તો ત્રણ મોટા તાળા માર્યા હતા ! એમાં એક તો રમેશ મહેતાના ફિલ્મમાં જોયેલું એવું મૂઠીયું તાળું પણ મારેલું. બાકી સૌ મિત્રો તો પગરખાં પહેરી જતા રહ્યા. હું દરવાજા પાસે ઊભો રહ્યો. થયું ભગવાન રોકાય જવા કહે છે. તાળા જોતો ઊભો હતો, ત્યાં એક જવાન આવી ને તાળાને અડ્યો. પછી મંદિર તરફ ફરી સલામ કરી 'જય રણછોડ' કરીને મારી પાસે આવ્યો. મને કહે, 'દર્શન ન થયા ?' મેં કહ્યું, 'થયા ને ?' તો કહે , 'ચાલો મારી સાથે..' હું સાથે ગયો તો એ મને બીજા એક દરવાજે મૂકી ગયો. જ્યાં બીજા મિત્રો પણ ઊભા હતા. એ દરવાજો અલૌકિક જગતમાંથી લૌકિક જગત તરફ લઈ જતો હતો. મારાથી પૂછાઈ ગયું, 'હવે કાલે જ ખુલશે ?' એમણે હસીને હા પાડી.
મંદિરમાંથી બહાર આવી, ગોમતી ઘાટ પર એક લટાર મારી. બધું બંધ થઈ ગયું હતું. અંધારામાં પણ ઘાટ પરના પાણીમાં ગંદકી દેખાતી હતી. કોઈ બે સાધુઓ એમાં કપડાં ધોઈને પાણીને વધુ મેલું કરતા હતા.
રણછોડરાયના આખા નગરમાં આંટો મારી, ડાકોરના ગોટા ખાવા માટે ઘાટ પાસે આવેલી એક જાણીતી દુકાને ગયા.
મારે તો બુધવાર હતો એટલે માત્ર જોવાના જ હતા, પણ દુકાને મેં જોઈ હતી એટલે મિત્રોને લઈને ત્યાં ગયો. રસ્તામાં બોડાણા ભગત મળી ગયા. એમની સાથે સેલ્ફી લઈને આગળ ગયા.
રસ્તામાં નારાયણ રાવસાહેબે સૌને સોડા પીવડાવી અને પછી શીંગ ખાતા ખાતા અમે કૃષ્ણભૂમિની વિદાય લીધી.
સીધા પહોચ્યા વલ્લભવિદ્યાનગરના HAVMOR PARLOR. મેં જમરૂખનો ICECREAM ખાધો ને બીજા સૌ મિત્રોએ કાંઈક પશ્ચિમી વાનગીનો નાસ્તો કર્યો.
પછી પહોચ્યા GUEST HOUSE. આજે પણ GYM નહોતું જવાયું એટલે વહેલા સૂવાનું નક્કી કરેલું. પણ બહાર ગયેલા એટલે સૂવામાં મોડું થયું. સૂતા ત્યાં ૧૨:૦૦ વાગી ગયા.
દિવસ : ૧૧
તા. ૦૭/૦૨/૨૦૧૯ [ગુરૂવાર]
આજે તો વહેલાં જાગ્યા વગર છૂટકો જ નહોતો. સવારે ૦૬:૦૦ વાગે જાગી ગયો. જાગીને બ્રશ કરીને તૈયાર થયો, પણ હજી પ્રવીણભાઈ નહોતા જાગ્યા. એટલે LAPTOP લઈ ઝરૂખામાં બેસી, ગઈ કાલનો બાકી BLOG લખ્યો. ૦૭:૦૦ વાગે પ્રવીણભાઈ અને રતિલાલ જાગ્યા. ને આજે GYM ગયા જ. ૦૮:૦૦ વાગ્યા સુધી GYMમાં કસરત કરી GUEST HOUSE આવ્યા. નહાઈને રૂમ પર જ આવી ગયેલા પૌવાનો નાસ્તો કર્યો ને અધૂરો BLOG લખ્યો. BOOK REVIEWનું મુખપૃષ્ઠ તૈયાર કર્યું. પછી HRDC જવા નીકળ્યા.
આજે પણ HRDC સમયસર પહોચી ગયા. સૌ પ્રથમ પ્રા. પારૂલ પ્રધાને ગઈ કાલનો REPORT રજૂ કર્યો. ત્યાર પછી પહેલા બે વ્યાખ્યાન DR. JAYPRAKASH TRIVEDIસાહેબે 'LITERATURE OF SOCIETY : SOCIOLOGY OF LITERATURE' વિષય પર આપ્યા.
તેમના વ્યાખ્યાન દરમિયાન તેમણે જણાવેલ કે, ૯૦% સમાજ 'મનુસ્મૃતિ' પ્રમાણે ચાલે છે. સાથે જ ભીલ આદિવાસી લોકોની એક મૃત્યુ વખતે કાનમાં કહેવાતી રસ પડે એવી વાત એમણે વહેચી. ETHICS એટલે શું સારું ને શું ખરાબ ? -એવી સમજણ એમણે આપી હતી. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ વિવિધ ભાષાઓની કૃતિઓમાં સમાજ કેવી રીતે આવે છે, તેની પણ એમણે ઉદાહરણ સાથે વાત કરી.
આજે બપોરે HRDCમાં જ રાકેશભાઈ ટીફીન આપી ગયા હતા. તો અગાશીમાં જઈને નિરાંતે જમ્યા. આજે જમવા માટે દોડાદોડી ન કરવી પડી. રીસેસમાં પારૂલબેને ગઈ કાલે મણિલાલ પટેલ અમારી રાહ જોતા હતા અને આજે જવાનું કહેતા હતા -એવું કહ્યું. ગઈ કાલે અમે ન જઈ શક્યા એ સારું ન થયું. પણ આજે જઈ આવીશું.
વિરામ પછીના બે વ્યાખ્યાન DR. RAJNIKANT JAINસાહેબે ગઈ કાલની THEORY વિશેની બાકી વાત પ્રસ્તુત કરી. ત્યાર પછી LITERARY CRITICISM વિષે તેમણે વિગતે વાત કરી. 360BC થી શરુ કરીને 1980 સુધીના TYPE OF LITERARY CRITICISM વિષે ઉદાહરણ સાથે વાત કરી. છેલ્લે તેમણે રસ વિષે પોતાની વાત મૂકી. જો કે ઘણાં ખરા અધ્યાપક તેમની વાત સાથે સહમત ન થયા એટલે થોડો વિવાદ થયો. અને એ સાથે જ આજનું અંતિમ વ્યાખ્યાન પણ પૂર્ણ થયું.
૫:૩૦ વાગે છૂટીને તરત જ હું ને પ્રવીણભાઈ મણિલાલ હ. પટેલના ઘરે ગયા.
મણિલાલ બહાર હીંચકે ઝૂલતા હતા. અમે ગયા એટલે ઘરમાં ગયા ને અમને પણ લઈ ગયા. લગભગ ૨:૦૦ કલાક સુધી બેઠા. પ્રવીણભાઈ એમના પ્રત્યક્ષ શિષ્ય એટલે એમના ઘર વિષે ને નોકરી વિષે વિગતે પૃચ્છા કરી. પછી મારી વિષે જાણ્યું ને RCમાં થતા વ્યાખ્યાનો, વ્યાખ્યાતા, તેના વિષયો વિષે ચર્ચા થઈ. પછી તો નંદીગ્રામ કેવી રીતે બન્યું ? અકાદમી ને પરિષદ બંને સાથે તેઓ કેમ જોડાયેલા છે ? ને બંનેમાંથી કેમ વહીવટી રીતે નીકળી ગયા ? એવોર્ડ અંગેના જાતજાતના વિવાદો, વગેરે અનેક વાતો થઈ. આ બધા વચ્ચે એમની એકલતા સતત ધ્યાન ખેચતી હતી. ત્યાં સુધીમાં પારૂલબેન બહારથી આવી ગયા. એટલે ઉપર મણિલાલનો રૂમ જોવા લઈ ગયા. ચારે બાજુ પુસ્તકોથી ભર્યો ભર્યો સર્જકનો રૂમ ને એ જ્યાં લખતા હોય એ ટેબલ ને એની બારીમાંથી દેખાતો બગીચો... બધું જોઇને ફરી નીચે આવ્યા. મણિલાલે 'પુસ્તક-પરબ' નામનું પુસ્તક પોતાનો AUTOGRAPH કરીને તૈયાર રાખ્યું હતું, અમને આપ્યું. એ પ્રસાદી લઈને છૂટા પડ્યા. જતા જતા એમના પત્નીના પણ દર્શન થયા. ફરી જમી શકાય એવો સમય લઈ આવવાનું કહી, આખો પરિવાર દરવાજા સુધી મૂકવા આવ્યો. બહુ ઉષ્માભરી વિદાય આપી.
મણિલાલના ઘરેથી સીધા જયંત ઓઝાના ઘરે ગયા. એમના દીકરા તારકભાઈ પાસેથી બિપીનભાઈએ કહ્યા મુજબ ધ્રુવ ભટ્ટની નવલકથા 'ન ઇતિ ' લેવાની હતી. ફોન કરીને ગયા ને ઘરમાં આવતા જ ખબર પડી કે, આ તારકભાઈના પિતા જયંતભાઈ તો ભાવનગરના જ છે. અહી બેંકમાં મેનેજર હતા ને કવિતાઓ પણ લખે છે. 'વિ' સામાયિકના તંત્રી પણ છે ! પછી તો શિક્ષણ, નાટક, કવિતા વિષે ઘણી બધી વાતો થઈ. અમને આવતા ગુરુવારે પદ્યસભામાં આવવાનું આમંત્રણ પણ આપ્યું. ને પ્રવીણભાઈએ હું કવિતા લખું છું એમ કહ્યું એટલે આવતી કાલે રાત્રે કવિતાઓ સંભળાવવા આવવાનો આગ્રહ કર્યો. જયંતભાઈએ વચ્ચે મણિલાલ, શેખડીવાળા ને માય ડીયર જયુ, નિરજ મહેતા, નરેશ વેદ, અજયસિંહ ચૌહાણ, બિપીન બારૈયા વગેરે વડીલો-મિત્રોને યાદ કર્યા. પુસ્તકના પૈસા અમારી પાસે છુટ્ટા ન હતા એટલે ઉધારમાં જ લઈને આવ્યા ને ત્યાંથી પણ ખૂબ બધું હેત લઈને GUEST HOUSE આવ્યા.
જલ્દી-જલ્દી વાળુ માટે નારાયણ ક્લબ ગયા. ને ત્યાંથી જમીને 'શંકર'નું પાન ખાઈ રૂમ પર આવ્યા. અમે ચાવી લઈને નીકળી ગયેલા એટલે રાઠવા સાહેબ રાહે હતા. આવીને BLOG લખવા બેઠો. ને પછી ૧૨:૧૫ વાગે પથારીવશ થયો.
દિવસ : ૧૨
તા. ૦૮/૦૨/૨૦૧૯ [શુક્રવાર]
આજે સવારે ૦૬:૧૫ વાગે જાગ્યો. જાગીને થોડી વાર નાટક વાંચ્યું ને પછી GYM ગયા. GYMમાં ૮:૦૦ વાગ્યા સુધી કસરત કરી અને પછી ત્યાં છૂટીને સીધા થેપલા ને પૌવાનો નાસ્તો કરવા ગયા. નાસ્તો કરીને GUEST HOUSE આવીને ફરી વાંચવા બેઠો ને BOOK REVIEW માટે થોડું ભૂમિકા રૂપ લખાણ લખ્યું. પછી નહાઈને HRDC જવા નીકળ્યા.
સૌ પ્રથમ ગઈ કાલનો REPORT વંચાયો ને પછી સૌ પ્રથમ ગુજરાતી યુનિવર્સિટીના સંસ્કૃત વિષયના પૂર્વ પ્રાધ્યાપક DR. વિજય પંડ્યાના સળંગ બે વ્યાખ્યાન યોજાયા. તેમણે INDOLOGY વિષય પર સળંગ ૩ કલાક વ્યાખ્યાન આપ્યું.
પ્રાચ્યવિદ્યા એટલે ભારતની પ્રાચીન વિદ્યા એવી સ્પષ્ટતા કરી, છેક ૧૬૫૭થી આજ સુધી પ્રાચ્યવિદ્યા સંદર્ભે થયેલ કામગીરી પોતાની આગવી રીતે સમજાવી. L.D. પ્રાચ્યવિદ્યા ભવનમાં ૭૫૦૦૦ હસ્તપ્રત છે એવી અનેક વિગતો જાણવા મળી. સાથે જ સંસ્કૃત સાહિત્યના વૈશ્વિક પ્રચાર માટે તેમણે મેક્સમૂલરને અનેક વખત યાદ કર્યા.
તેમના બીજા વક્તવ્યમાં ORIENTAL INSTITUTE VADODARA દ્વારા તૈયાર થયેલ 'રામાયણ'ની સમીક્ષિત આવૃત્તિ વિષે વાત કરી, જેનો તેઓ ગુજરાતી અનુવાદ કરી રહ્યા છે. BHANDARKAR ORIENTAL INSTITUTE PUNA દ્વારા તૈયાર થયેલ 'મહાભારત'ની સમીક્ષિત આવૃત્તિ વિષે પણ વાત થઈ. સમીક્ષિત આવૃત્તિ એટલે શું ? એ વિગતે સમજાવી આપ્યું. સાથે જ 'સત્યમેવ જયતે ન અનૃતમ' નો સાચો અર્થ વ્યાકરણના આધારે કરી આપ્યો. છેલ્લે ઉમાશંકર જોશીએ કહેલા સાડા ત્રણ ગ્રંથો વાંચવાની તેમણે ભલામણ કરી : ૧. 'બૃહદકથા' [-ગુણાઢય], ૨. 'રામાયણ' [-વાલ્મીકિ], ૩. 'મહાભારત' [-વ્યાસ] અને ૩.૫ 'ભાગવત' [-વ્યાસ]. ૭૬ વર્ષની ઉંમરે પણ વિજયભાઈ પંડ્યાનું વ્યાખ્યાન ખૂબ જ રસપ્રદ રહ્યું. એમણે પોતાની હાસ્યસભર શૈલીમાં ખૂબ જ અઘરો વિષય સહેલો કરી આપ્યો.
ભોજન માટે આજે 'ગાયત્રી ક્લબ'માં ગયા. મને મજા નહોતી પણ જમી તો લીધું જ. જમીને દવા લેવા ગયો પણ મેડીકલ બંધ હતું. પરત HRDC પહોચ્યા. આજે વિરામના સમયે HRDC બહાર પ્રવીણભાઈ અને અન્ય મિત્રોને DR. RATANSINH CHAUHANની જ્યોતિષ વિદ્યાનો લાભ મળ્યો. સૌએ સારી પેઠે લાભ ઉઠાવી સાહેબ પાસેથી ભવિષ્ય જાણ્યું.
HRDC પહોચીને વિરામ પછીના ૨ વ્યાખ્યાન DEPARTMENT OF COMPUTER SCIENCEના PROF. BHARAT PATELના હતા.
એમણે 'USE OF COMPUTER IN LANGUAGE' વિષય પર પોતાની રમૂજભરી શૈલીમાં વ્યાખ્યાન આપ્યું. કોમ્પ્યુટરમાં FONT કેવી રીતે INSTALL કરવાથી માંડીને જુદા જુદા સોફ્ટવેર કેવી રીતે વાપરવા એ અંગે ઉદાહરણ સાથે સમજ આપી.
વિરામ પછી '//SSYOUTUBE...' કરવાથી VIDEO સરળતાથી DOWNLOAD કરી શકાય, જેવી અનેક માહિતીઓ, GOOGLE DOC, EXCEL, PPT, FORMનો ઉપયોગ, PDFDRIVE પરથી PDF મેળવવાની રીત, VOICE TO TEXT જેવા અનેક મુદ્દાઓ ઉદાહરણ સાથે પ્રાયોગિક ધોરણે શીખવાડ્યા. છેક સૌ અધ્યાપકો રસપૂર્વક વ્યાખ્યાનમાં જોડાયા. ૫:૩૦ વાગે HRDCમાંથી સૌ છૂટા પડ્યા.
GUEST HOUSE આવી મેં BLOG લખ્યો,, ENO પીધો. બીજા બંને મિત્રો ચા પીવા બહાર ગયા. વળી થોડી વાર book reviewમાં જોડાયો. ત્યાં જમવાનો સમય થઈ ગયો. આજે શુક્રવાર એટલે વલ્લભવિદ્યાનગરમાં બધા ભોજનાલયોમાં FRUIT ખીચડી મળી. પ્રવીણભાઈ 'પુરોહિત ' નામની એક જગ્યાએ ચાલીને લઈ ગયા, પણ તે તો મોટી હોટેલ બની ગઈ હતી. એટલે ત્યાંથી ફરી ચાલતા ચાલતા નાના બજાર આવ્યા. નારાયણ ક્લબમાં થોડી વાર બહાર રાહ જોઇને ઊભા. પણ અંદર ભીડ એટલી હતી કે પછી વારામાં ઊભા રહેવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં રાઠવાસાહેબ બિરાજ્યા, પછી પ્રવીણભાઈ, મહેમાન મિત્ર પંકજભાઈ અને પછી જગ્યા થઈ એટલે હું જમવા બેઠો. જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ અંતે આવી. દ્રાક્ષ, દાડમ, કાજુ, વટાણા, બટેટાથી સજ્જ એવી FRUIT ખીચડી.
ખરેખર સ્વાદિષ્ટ હતી. ક્યારેક શુક્રવારે વલ્લભવિદ્યાનગરમાં હોઈએ તો ખાવી જ જોઈએ.
જમીને GUEST HOUSE આવવાના બદલે પંકજભાઈને મૂકવા માટે ISKON મંદિર ગયા ને ત્યાંથી સીધા GOLD CINEMA. આજે જ પ્રગટેલું નવું ગુજરાતી ફિલ્મ 'સાહેબ' જોવા ગયા. મલ્હાર ઠાકર અભિનીત 'સાહેબ' કૉલેજોમાં તાજેતરમાં ચાલી રહેલા PLACEMENT જેવા કાર્યક્રમો સામે ચોકાવનારા સવાલ ઊભા કરે છે. ખાનગી કૉલેજો કમાણી માટેનું કેવું મોટું સાધન છે તથા નેતાઓ કેટલી હદે જઈ શકે છે -જેવા અનેક મુદ્દાઓ કોઈને કોઈ સાંપ્રત મુદ્દાઓ સાથે આડકતરી રીતે જોડીને અહીં મૂકાયા છે. મલ્હાર ઠાકરના યુવાફેનનો પ્રતિભાવ બહુ સારો ન હતો, કેમ કે એ બધા આનંદ લેવા આવ્યા હતા, આવી બધી સમસ્યાઓ સામે કોઈ લડે એમાં કોઈને રસ ન પડ્યો એવું બધાની વાતો પરથી લાગ્યું. જો કે આ મુદ્દાઓ પણ ગુજરાતમાં ફિલ્મનો વિષય બનવા લાગ્યા છે એ કલાકારોની બહાદુરી સૂચવે છે. થોડી જુદા પ્રકારના ફિલ્મ હતી એ દૃષ્ટિએ ગમી. જોઈ જુઓ TRAILER :
'સાહેબ' ગુજરાતી ફિલ્મ
રાત્રે ૧૨:૩૦ વાગે GUEST HOUSE આવ્યા. સૂતા ત્યાં સુધીમાં ૦૧:૩૦ વાગી ગયો.
દિવસ : ૧૩
તા. ૦૮/૦૨/૨૦૧૯ [શનિવાર]
ગઈ કાલે સુવામાં મોડું કરેલું એટલે વહેલા જાગી ન શકાયું. નાસ્તા માટે રાકેશભાઈએ બારણું ખખડાવ્યું ત્યારે જાગીને સીધું બ્રશ કર્યું. ને બ્રશ કર્યા પછી તરત જ આવેલી પૂરી અને ચાનો નાસ્તો કર્યો. પ્રવીણભાઈ તો આખી રાત જાગેલા. જો કે એમણે જાગીને BOOK RIVIEW પૂરો કરી નાખ્યો. મારે હજી એ બાકી છે. આજે જાગ્યો જ ૦૯:૦૦ વાગે એટલે GYM તો ન જ જવાયું એ સ્વાભાવિક છે. BLOG લખીને સ્નાનવિધિ પતાવી HRDC જવા નીકળ્યા.
HRDCમાં આજે પ્રથમ બે વ્યાખ્યાન જાણીતા ચિત્રકાર DR. KANAIYALAL PATELસાહેબના હતા. કલા એટલે શું ? એવા પ્રશ્નથી વાત શરુ કરીને કનુભાઈએ જુદા જુદા પ્રાંતના લોકચિત્રો વિષે વિગતે વાત કરી. ''રાઠવાનો પીઠોરો' ચિત્ર વિષે વિસ્તારથી રસપ્રદ વાત કરી ને સમજાવ્યું કે આપણે ત્યાં ચિત્ર કે કોઈ પણ કળા કલાકૃતિ નથી, પણ અનુષ્ઠાન છે. સાથે જ 'વિષ્ણુધર્મોત્તરપુરાણ' ગ્રંથના એક ઉદાહરણ દ્વારા કલાઓ વચ્ચેના આંતર સંબંધની સમજૂતી આપી. કુદરતમાં રેખા નથી, પણ રંગો જ છે. આપણે બે રંગો વચ્ચેના ભેદને રેખા સમજીએ છીએ એવું સરસ નિરીક્ષણ તેમણે રજૂ કર્યું.
ચા વિરામ પછીના બીજા વ્યાખ્યાનમાં કનુભાઈએ ચિત્રના છ અંગો વિષે વાત્સ્યાયન કામસૂત્રના એક શ્લોકના આધારે સમજૂતી આપી અને ૧. રૂપ, ૨. પ્રમાણ, ૩. ભાવ, ૪. લાવણ્ય, ૫. સાદૃશ્ય અને ૬. વર્ણીકા ભંગ વિષે ઉદાહરણ સાથે સમજૂતી આપી. રંગ પ્રકાશ પર નિર્ભર છે અને આખી પ્રકૃતિ પાંચ જ આકારની બની છે એવા ચિત્ર સાથે જોડાયેલા તથ્યો તેમણે સાબિત કરી આપ્યા.
આજે બપોરના ભોજનની વ્યવસ્થા રાકેશભાઈએ કરી હતી એટલે અગાશીમાં જ ટીફીન જમી ને પછી પાન ખાવા માટે બહાર ગયા.
૦૨:૧૫ વાગે S. P. UNIVERSITYના ગુજરાતી વિભાગના વડા DR. PARAM PATHAKસાહેબનું વ્યાખ્યાન શરુ થયું. તેમણે WORLD LITERATURE વિષય અંતર્ગત ટી. એસ. એલિયટ કૃત 'THE WEST LAND' નામની કૃતિ વિષે વિગતે વાત કરી. આ કૃતિને જુદાં જુદાં ૫ વિભાગોમાં વહેચીને તેમણે કૃતિના રસસ્થાનો બતાવવા પ્રયાસ કર્યો.
ચા વિરામ પછી તેમણે આત્મશોધને કેન્દ્રમાં રાખી ભગવતીચરણ વર્મા કૃત 'ચિત્રલેખા' અને આનાતોન ફ્રેંક કૃત 'થેયસ' વિષે તેમજ હરમાન હેસ કૃત 'સિદ્ધાર્થ' અને યુ. આર.અનંતમૂર્તિ કૃત 'સંસ્કાર' એમ ચારેય કૃતિની કથા કહી પોતાની વાત રજૂ કરી. ૦૫:૩૦ વાગે HRDCથી છૂટીને GUEST HOUSE આવ્યા.
ગઈકાલના ઉજાગરાના લીધે પ્રવીણભાઈ તો સીધા આવીને સુઈ જ ગયા. રાઠવાસાહેબ book review બનાવવામાં વ્યસ્ત હતા. મેં પણ book review શરુ કર્યું. ૦૮:૦૦ વાગ્યા સુધીમાં જેટલું થાય એટલું કામ કરીને ૦૮:૦૦ વાગે ગાંધીસાહેબ સાથે આણંદ-ભ્રમણ કર્યું. amul dairy, આણંદના લગભગ બધા જ theatre ને જાણીતી અલગ-અલગ દુકાનો બહારથી જોઈ. havemorમાં ભોજન માટે ગયા.
સૌ પ્રથમ મોટા તગારા જેવડો ખાખરો આવ્યો, હું તો એમાં જ ધરાઈ ગયો. એ પછી નામ ભૂલી ગયો, પણ કોઈ નવા પ્રકારનો સૂપ ને પછી પંજાબી જમ્યા.
જમીને ફરી ભ્રમણ શરુ થયું તે ગાંધીસાહેબની પ્રિય જગ્યા hotel H પર અટક્યું.
ત્યાં કોફી અને ice cream ખાઈને મોડી રાત સુધી બેઠાં. લગભગ ૧૨:૦૦ વાગ્યે શયનયોગ થયો.
દિવસ : ૧૪
તા. ૧૦/૦૨/૨૦૧૯ [રવિવાર]
સવારે ૦૯:૦૦ વાગે જાગ્યો. GYM જવાની દાનત હતી જ નહિ, એમાં ભારે નાસ્તો થઈ ગયો. ગાંધીસાહેબના ઘરે 'યોગેશના ખમણ', ફાફડા ગાંઠિયા અને એમના મમ્મીએ આદુ નાંખીને બનાવેલી ચા અને ઉપરથી અતિ આગ્રહવશ તૂટી પડાયું.
બપોરે જમવાની પણ કોઈ શક્યતા ન રહે એવો નાસ્તો કરી, બીજા મિત્રો માટે ભાતું પણ બાંધતો આવ્યો ને પહોચ્યો GUEST HOUSE.
આજે બંને સાથી મિત્રો ક્યાંક બહાર ગયા હતા. બાજુના રૂમમાં જોયું તો રવિકાંત સોલંકી આવ્યા હતા. થોડી વાર બાજુમાં રૂમ નંબર ૨૦૯માં નારાયણ રાવ અને પટેલસાહેબ સાથે બેઠા ને પછી રૂમ નંબર ૨૦૮માં આવી BOOK REVIEWનું બાકી રહેલું કામ ૦૨:૦૦ વાગે પૂરું કર્યું. લગભગ ૦૨:૩૦ વાગે જમવા ગયા. મોટા બજારમાં આવેલ 'ગુજ્જુ ગુજરાતી થાળી'માં જમીને ૦૩:૩૦ વાગે પરત આવ્યા. આવીને સુઈ ગયા તે સીધા ૦૬:૩૦ વાગે જાગ્યા. PPT બનાવવાનું કાંઈ સૂઝતું નથી એટલે જમવા જવાનું નક્કી કર્યું. જમવા માટે 'કાઠિયાવાડી કિંગ'માં ગયા. ઓળો-રોટલો મંગાવ્યો, પણ એકેયમાં ન ઠર્યા. પછી તીખારી ને તળેલી ભાખરી જમ્યા. બહુ મજા ન આવી. પણ કદાચ ભૂખ નહોતી એટલે એવું થશે.
GUEST HOUSE આવીને PPT બનાવવા બેઠો. બધું ફટાફટ મનમાં CLICK થવા માંડ્યું. એટલે PPT તો ઘડીકમાં બની ગઈ. ને પછી તો કામ પૂરું થયું ને બપોરે સુવાઈ ગયેલું એટલે ઊંઘ ક્યાંથી આવે. શરૂ કરી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા 'ન ઇતિ'...
૨ પ્રકરણ વાંચીને પછી ૧૨:૩૦ વાગે સૂતો. પણ લગભગ આખી રાત સરખી ઊંઘ ન આવી. આમ આ બીજું અઠવાડિયું પૂરું થયું.

































ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો