REFRESHER COURSE WEEK 3



દિવસ  : ૧૫
                   તા. ૧૦/૦૨/૨૦૧૯ [સોમવાર]
                            આજે રાત્રે ઊંઘ બરાબર ન આવી એટલે સવારે ૦૮:૩૦ વાગે જાગ્યો. એમાં GYM ન જવાયું. સવારમાં સૌ પહેલાં PPTની PRINT કઢાવી ને પછી ગયા ભાઈકાકા સર્કલ. રૂમ પર સવારના નાસ્તામાં ભજીયા આવેલા એટલે નહોતો કર્યો. થેપલા ને ચાનો નાસ્તો કરી ૧૦:૦૦ વાગ્યામાં HRDC પહોચી ગયો. આજે મારે CHAIR PERSONની ભૂમિકા નિભાવવાની હતી.
                             સૌ પ્રથમ તો મહાજનસાહેબે ગઈ કાલનો REPORT રજૂ કર્યો ને ત્યાર પછી હું કાર્યાલયમાં વક્તાને લેવા ગયો. ને જોઉં છું તો આજના પ્રથમ વક્તા હતા સતીશ વ્યાસ ! નાટકના લીધે ગુજરાતી ભવનની શિબિરોના લીધે સતીશભાઈ સાથે સારો નાતો બંધાયેલો. ખૂબ જ અભ્યાસુ અધ્યાપકની રીતે પણ એ મને ગમે. નાટ્યલેખક, દિગ્દર્શક અને GUJARAT UNIVERSITYના પૂર્વ પ્રાધ્યાપક DR. SATISH VYASસાહેબે પ્રથમ બે વ્યાખ્યાન 'નાટક અને સાહિત્ય પરંપરા' વિષે આપ્યા.  'ઋગ્વેદ'માં આવતા 'સરમાપણી સંવાદ'માં નાટકના મૂળ રહેલા છે, એમ કહી ભારતીય અને પ્રાચીન ગ્રીસની નાટ્ય પરંપરા વિષે તેમણે રસપ્રદ વાતો કરી. પૂર્વ અને પશ્ચિમના રંગમંચ અને તેનો નાટક પડેલો પ્રભાવ એમણે ચીંધી બતાવ્યો. પશ્ચિમમાં વાસ્તવિકતા અને ભારતીય પરંપરામાં કાલ્પનિક સૃષ્ટિ રચવાનું મહત્વ છે, એમ તેમને 'શાકુન્તલ'ના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. વાચિક અભિનયની વાત કરતા તેમણે કહ્યું કે જયારે ઉત્તમ વાચિક અભિનય થાય ત્યારે તે લોકમાનસમાં દીર્ઘ સમય સુધી છાપ છોડી જાય. ઉદાહરણ તરીકે એમણે 'કિતને આદમી થે' એ  ત્રણ શબ્દો બોલવામાં અમઝદખાને કરેલો વાચિક અભિનય યાદ કરાવ્યો.
                                વિરામ બાદ આંગિક અભિનયની વાત કરતા તેમણે CHARLIE CHAPLINને આંગિક અભિનયના મોટા કલાકાર  તરીકે યાદ કર્યા. 'દૂતવાક્યમ', 'હેમલેટ', 'ખુરશીઓ' જેવા નાટકના ઉદાહરણ દ્વારા તેમણે આહાર્યનું મહત્વ દર્શાવ્યું. સાત્વિક અભિનય નટધર્મ છે, એમ કહી તેને પૃથ્વીરાજ કપૂરના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી આપ્યું. પશ્ચિમના અને પૂર્વના નાટકમાં આવતા ૫ તબક્કાની વાત કરી, બંને વચ્ચેનું સામ્ય સમજાવી આપ્યું. છેલ્લે માણસ સિવાય કોઈ પાસે કળા નથી. અને કળા માનવસંદર્ભ વગર શક્ય જ નથી. એટલે કૂતરું કે દેવ કે રાક્ષસ -જો નાટકમાં આવે તો માણસની જ ભાષા બોલે અને એ જ ઇષ્ટ છે, એમ કહી પોતાની વાત પૂરી કરી.
                        આજે બપોરનું ભોજન HRDC પર જ ઉપલબ્ધ થઇ ગયું હતું. એટલે અગાશીમાં ટીફીન જમ્યા. જમીને નીચે આવે બધાએ BOOK REVIEW અને FEEDBACK ફોર્મ જમા કરાવ્યા. HRDCના PROJECTOR   સાથે જોડેલા LEPTOPમાં સૌએ પોતપોતાના આવતી કાલ માટે તૈયાર કરેલા PPT જમા કરાવ્યા. સતીશભાઈને મળવા માટે મણિલાલ  હ. પટેલ અને ભગીરથ બ્રહ્મભટ્ટ પણ  આવ્યા હતા તો એમને પણ પુનઃ મળવાનું થયું.
                         ભોજન વિરામ પછી CENTRAL UNIVERSITY GUJRATના રજીસ્ટ્રાર અને  હિન્દી વિષયના પ્રાધ્યાપક DR. ALOKKUMAR GUPTAસાહેબનું વ્યાખ્યાન યોજાયું. તેમણે પ્રથમ વ્યાખ્યાનમાં 'મધ્યકાલીન ભારતીય સાહિત્ય' વિષે વિવિધ ભાષાના મધ્યકાલીન સંતોની રચનાઓને આધારે વાત કરી. ભક્તિ કાલ અને રીતિ કાલ વચ્ચેનો ભેદ પણ તેમણે સુપેરે સ્પષ્ટ કરી. વલ્લભાચાર્યથી કૃષ્ણ-ભક્તિનો પ્રચાર થયો, પણ એમની ય પહેલા નરસિંહ મહેતા થઈ ગયેલા ને તેમણે કૃષ્ણ-ભક્તિના અદભૂત પદો સ્વયં પ્રેરણાથી લખેલા -એ રસપ્રદ નિરીક્ષણ રજૂ કર્યું.
                       બીજા વ્યાખ્યાનમાં એમણે 'આધુનિક ભારતીય સાહિત્ય' વિષે વાત કરતા તેમણે કૃતિનું એકાંગી અધ્યયન સંભવ નથી એમ કહ્યું. આ આધુનિક ભારતીય સાહિત્ય અંગે તેમણે જુદી જુદી કૃતિઓના સંદર્ભથી પોતાની વાત મૂકી આપી. છેલ્લે અમારી વિનંતીથી તેમણે અનુવાદ વિષે થોડી વાતો કરી. ગુજરાતીના લગભગ બધા સર્જકોની કોઈ ને કોઈ રચના એમણે હિન્દીમાં રૂપાંતરિત કરી છે. માતૃભાષા સારી હોય એ જ અનુવાદ કરી શકે એમ કહી ભાવ અને શબ્દસૌન્દર્ય બંને જળવાય તે સારો અનુવાદ એવું તેમણે કહ્યું ને સૌ અધ્યાપકોને અનુવાદ કરવા સૂચન કર્યું. આ સાથે જ HRDCનું આજનું કાર્ય પૂર્ણ થયું.
                     છૂટીને GUEST HOUSE આવ્યા. પ્રવીણભાઈ એક ખાદી ભંડારમાં જવા ઈચ્છતા હતા એટલે અમે બંને ગામડી વડ વિસ્તારમાં ગયા. લગભગ દોઢ કલાક દુકાન શોધી, પણ અંતે એ દુકાન હવે નથી રહી એવા જ્ઞાન સાથે પરત ફર્યા. વચ્ચે બે THEATREમાં URI ફિલ્મ માટે તપાસ કરી, પણ રાતનો શો હતો. રાતે જોવા જઈએ ને પછી કાલે પરીક્ષા સમયે જ ન જગાયું હોય તો ? એટલે મુલતવી રાખ્યું. GUEST HOUSE પર આવી મોટા બજાર ગયા. પાઉં-ભાજી જમીને ફરી રૂમ નંબર ૨૦૮માં આવ્યા. બંને સાહેબો અત્યાર સુધી કાલની પરીક્ષાની તૈયારી કરતા હતા ને હું આ BLOG લખવામાં પડ્યો છું.
                     'ન ઇતિ'ના બે પ્રકરણ વાંચીને ૧૧:૩૦ વાગે સૂતો. કાલની પરીક્ષાનું જે થાય એ જોયું જશે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો